કર્મચારી શિક્ષણતીર્થ - અમદાવાદ
કર્મચારીનગર, ઘાટલોડિયા, અમદાવાદ - ૩૮૦૦૬૧
nivedan

સંદેશ

કર્મચારી વિવિધલક્ષી ટ્રસ્ટ (મંડળ) માનનીય મંત્રીનું નિવેદન

 1976 ના વર્ષમાં શરું થયેલી આ સંસ્થાએ પ્રગતિના અનેક સોપાનો સર કર્યા છે અને તેના સાક્ષી બનવાનું સૌભાગ્ય અમને સાંપડ્યું છે. શાળા પાસે મકાન – મેદાનની મોકળાશ અને હરી-ભરી હરિયાળી છે. વિશાળ વર્ગખંડ, લેબોરેટરીઝ, કોમ્પ્યુટર લેબ, પુસ્તકાલય, વોટર વર્કસ અને પર્યાપ્ત તથા ગુણવતાસભર સ્ટાફ હોય તેવી અમારી સંકલ્પના હતી જે સાકાર થયેલી છે. સંસ્થાનું વેપારીકરણ નહિ પણ વ્યવહારીકરણ કરવામાં અમે સફળ થયા છીએ.

કેળવણીનો પ્રચાર અને પ્રસાર, સામાજિક કાર્યોમાં સહાય અને વિધાર્થીલક્ષી પ્રવૃતિઓને અહીં કેન્દ્રસ્થાને મુકવામાં આવી છે. વિધાર્થીસંખ્યા, શિક્ષણ અને સહઅભ્યાસ પ્રવૃતિઓને લીધે સંસ્થા આજે વટવૃક્ષ બનીને ઉભી છે. બાલમંદિરથી ધોરણ-12 (બન્ને પ્રવાહો) સુધીનું ઉત્તમ શિક્ષણ અહીં અપાય છે. રાજ્ય અને રાષ્ટ્રીય ફલક પર અમારું વિધાર્થીધન પોતાની સેવાઓમાં છે. વર્ષોવર્ષ મૂલ્યાંકન કરી અમે નવનીત પેદા કરીએ છીએ. અમારા આ યજ્ઞમાં સંસ્થા સાથે સંકળાયેલા સૌનો સાથ સહકાર છે તેનો અમને આનંદ છે. સંસ્થા હજુ વધુ ઊંચેરી છલાંગ ભરશે જ તેવો મને દઢ વિશ્વાસ છે.

ગણપતભાઈ પટેલ

કર્મચારી વિવિધલક્ષી ટ્રસ્ટ (મંડળ) માનનીય પ્રમુખનું નિવેદન

કર્મચારી વિવિધલક્ષી ટ્રસ્ટ, ઘાટલોડિયા સંચાલિત કર્મચારી શિક્ષણ તીર્થ પ્રા. / મા. / ઉ. મા. શાળાએ આશરે 40 વર્ષની લાંબી મજલ કાપી છે. આ સુદીર્ઘ સમયસીમામાં સંસ્થાએ પ્રગતિ અને વિકાસના સફળ કીર્તિમાન સિદ્ધ કરીને આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ યશકલગીના સૂત્રધાર તરીકે મંડળના પદાધિકારીઓ, આચાર્યો, શિક્ષકો અને કર્મચારીગણ રહ્યા છે. તેમની સૌની પ્રતિબદ્ધતા અને નિષ્ઠાના આદર્શો થકી જ સંસ્થાએ લક્ષસિદ્ધિ કરી છે.

મને કહેવાનું મન થાય છે કે અમારી સંસ્થા “સત્ય, સહાનુભૂતિ, શિસ્ત, સંયમ અને સેવા”ના પંચશીલને વરેલી છે. વિધાર્થીલક્ષી પ્રવૃતિઓ દ્વારા સર્વાગી વિકાસ અને સુશિક્ષણ એમ બે પ્રમુખ આધારોના પાયા પર સંસ્થાનું કાર્ય ચાલે છે. અમારા માર્ગદર્શનને મધ્યનજર રાખી અમારા આચાર્ય, શિક્ષકો અને કર્મચારીગણ પોતાની ગતિવિધિ સાથે ઓતપ્રોત રહે છે. સંસ્થાએ અનેક ડોક્ટરો, વકીલો, એન્જિનિયરો, સમાજસેવકો, સારા શિક્ષણવિદો, કુશળ વહીવટકર્તાઓ અને કંપની સૂત્રધારો સમાજને આપ્યા છે. “Come to learn, Go to serve the human being.”  ના મુદ્દાલેખને સૌએ પચાવ્યો છે. ઉદાત અને ઉમદા હેતુઓને વરેલી અમારી સંસ્થા શિક્ષણ અને શિક્ષણેતર પ્રગતિને આંબીને ઉદાહરણીય બની છે તેનું મને ગૌરવ્ છે.

મહેન્દ્ર વછરાજાની